poem
ગામને પાદર
ગામને પાદર
અવાવરું વાવ ને કાંઠે,
ઉગેલા લીમડા પર ચડી,
ક્યારેક તેની શીતળ છાયામાં
રમતા'તા આંબલી પીપળી.
વાવમાં ડોકિયું કરીને,
પડી જવાના અને ભૂતના
બેવડા ભયથી,
જે રુવા ઉભા થઇ જતા,
એ ગામને પાદર,
આજે વર્ષો પછી જાઉં છું,
સરનામું શોધવા
સુખનું, મારા શૈશવનું, સ્મરણોનું
ત્યારે મને મળે છે,
બહુમાળી ઇમારતોનો રાક્ષસ.
જે ભરખી ગયો છે મારા ગામના પાદરને.
નાના હતા,
ત્યારે માં વાર્તા કહેતી,
વાર્તા સાંભળતા અચૂક એક પ્રશ્ન થતો,
' એ તે વળી કયો રાક્ષસ?'
જે માણસ ગંધાય માણસ ખાઉ કરે છે,
આજે અનેક ચહેરાઓ વસે છે,
શ્વસે છે, ભમે છે, મારા ગામને પાદર.
પણ પહેલી,
ચિર પરિચિત સંબંધોની
ધસમસતી નદીને,
કાળનો એરૂ આભડી ગયો છે.
ખેતરોની જગ્યાએ,
મૂક્યા છે મીલના ભૂંગળા,
મારા ગામના પાદરનો આત્મા,
નક્કી અવગતે ગયો હશે.
બેગ માંથી લેપટોપ કાઢી,
જોઉં છું જૂની તસવીર,
ગામના પાદરની,
ત્યારે, તેનો આત્મા આવી ચડે છે,
ક્યાંક આસપાસમાં,
ટહુકા રૂપે, પતંગિયા રૂપે અને સુકાયેલી નદી,
પુન: સજીવન થાય છે,
મારી આંખો છલકાય છે,
મારા ગામને પાદર.......
તરૂણ મહેતા