દયારામની કવિતામાં તત્વબોધ
- Get link
- X
- Other Apps
દયારામની કવિતામાં તત્વબોધ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરતાં તેમાં મુખ્યત્વે બે પરંપરા વધુ પ્રચલિત હતી (1) શૈવ અને (2) શાક્ત. પરંતુ શંકરાચાર્યના દ્વૈતમતને જ્ઞાનની અનિવાર્યતા રહી વળી, તેમાં બ્રાહ્મણ જ્ઞાતિનું પ્રાધાન્ય રહ્યું. શાક્ત પરંપરા બહુધા દક્ષિણ ભારતમાં પ્રચલિત થઈ પરંતુ વલ્લભાચાર્ય (૧૪૭૯-૧૫૩૧) ના સમયમાં તત્વજ્ઞાનની વિશેષધારા શુદ્ધાદ્વૈત નામે પ્રચલિત થઈ જે સમયાંતરે વૈષ્ણવ પરંપરામાં પુષ્ટિમાર્ગ તરીકે જાણિતી બની. વલ્લભાચાર્યના આ શુદ્ધાદ્વૈત દર્શનમાં અનેક ભક્ત કવિઓએ સર્જનયાત્રા કરી પરંતુ ગુજરાતીમાં મધ્યકાલીન અંતિમ ધૃવતારક સમા દયારામે જે રચનાઓ કરી તેને આજે પણ ‘ગૌરવવંતી ગુજરાતી ગિરાના પ્રસાદ’ તરીકે ઓળખાવી શકાય.
દયારામ વિશે ઘણું લખાયું છે અને કેટલાંક આધારભૂત સ્ત્રોત મળે છે વળી ક્યાંક વિરોધાભાસ પણ પ્રગટે છે. પ્રસ્તુત અભ્યાસ લેખમાં દયારામના જીવનવિષયક માહિતી અને તેની દાર્શનિક કૃતિના સંદર્ભે અભ્યાસ કરવામાં આવશે. ૧૭૭૭ થી ૧૮૫૩ દરમ્યાન છોતેર વર્ષની આયુમાં તેમણે મધ્યકાળના ઉત્તરાર્ધને પોતીકી મુદ્રાથી પરિપ્લાન્વિત કર્યો અને અર્વાચીનયુગના મંડાણની પણ એક અદકેરી છાયા બાંધી આપી. દયારામની જીવનકૃતાર્થતા તો ગિરિધરવરને વરવાની હતી એવાં ‘પ્રેમસખી’ ના રંગે રંગાયેલ કવિ દયારામની કવિતાનું ગોત્ર ભક્તિકવિતાનું છે એ રીતે તે નરસિંહના ઉત્તરાધિકારી ગણાવી શકાય પરંતુ તેની કવિતામાં પ્રેમભક્તિની અવિચ્છિન્ન ઓજસ્વી તાકાત રહેલી છે. તેમના જીવનકાળને ૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના યુગ્મ તરીકે સંગમ તરીકે ગણાવી શકાય.
દયારામની કાવ્યસાધનાનું કેન્દ્રબિંદુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરા રહી છે. તેમણે અનન્ય આશ્રમથી શ્રીકૃષ્ણની ભક્તિનું ઊર્ધ્વીકરણ કર્યું હતું. પરંતુ દયારામની કાવ્યબાની સમજતાં પહેલા મધ્યકાલીન ભક્તિમાર્ગીય ભજનપરંપરાનો દીર્ઘ અભ્યાસ કરવો રહ્યો, દયારામની કવિતામાં પ્રેમ-ભક્તિના સમર્પણની સ્નિગ્ધતા દેખાય છે તો વેદકાલીન ભક્તિરવનો અનુપમ ગુંજારવ પણ સંભળાય છે. વેદકાલીન સાહિત્યમાં પણ પરમાત્મા જ્ઞાનની સાથે ભાવનાનો વિષય રહ્યો છે. તેથી તેમાં હાસ્યભાવ, સખ્યભાવ, વાત્સલ્યભાવ અને દામ્પત્ય-સ્નેહનો ભાવ તાદ્દ્શ થાય છે. દયારામને ભક્તિપરક સંસ્કારો વારસામાંથી પ્રાપ્ત થયાં હતા. તેના પૂર્વજો શિવભક્ત હતાં પરંતુ પિતાજી પરમ વૈષ્ણવ હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વેદ અને ઉપનિષદની જ્ઞાનગંગોત્રીને મધ્યકાલીન કવિઓએ પ્રવાહી ભક્તિધારામાં મૂકી આપી. ઉપનિષદકાલીન સાહિત્યના તત્વરૂપ પરમાત્માને કાવ્યમય બનાવ્યો. મધ્યકાલીન કવિઓનું લક્ષ પરમપદની પ્રાપ્તિ છે. તે કવિઓ માટે પ્રેમલક્ષણાભક્તિનો માર્ગ આદર્શ હતો. મધ્યકાળના કવિઓ “ रसो वै स: । रस ह्येवायं लब्धवा आनंदो भवति ।“ સૂત્રને આત્મસાત કરવાનું લક્ષ રાખતાં હતાં.
વૈષ્ણવ પરંપરા:-
વૈષ્ણવ પરંપરામાં વિષ્ણુને ઈશ્વર તરીકે સ્વીકારાયા છે. રામ, કૃષ્ણ, નૃસિંહ, વામનાદિ તેના અવતારો છે. મુખ્યત્વે વૈષ્ણવમાર્ગમાં અવ્યાભિચારી ભક્તિનું મહિમ્નગાન થયું છે. તેઓ દેવકીસૂત બાલકૃષ્ણના સ્વરૂપને જ સેવ્ય માને છે. આ ઈશ્વરને રસરૂપ ગણવાની વિભાવનાના મૂળ કઠોપનિષદ અને મુંડકોપનિષદમાં મળે છે. ઔપનિષદિષદકાળથી આ પરંપરાની સિદ્ધાંતનિષ્ઠાનો વિકાસ થયેલ જોવા મળે છે. વૈષ્ણવોમાં પ્રગટતી ગુરુભક્તિ કે ગુરુમહિમા શ્વેતાતર ઉપનિષદનો વિચાર છે. ઉપનિષદ જણાવે છે કે : “જેને દેવમાં ઉચ્ચકોટિની ભક્તિ છે, જેવી દેવમાં તેવી ગુરુ વિશે છે, તે બુદ્ધિશાળી વિચારકને આ કહેલા અર્થો પ્રાપ્ત થાય છે.” (1) ઉપનિષદકાળના બે મહત્વના ગ્રંથો:- (1) મહાભારત અને (2) શ્રીમદ્ ભગવદગીતા વિશેષ રીતે ઉપકારક નિવડે તેમ છે. આ ગ્રંથના આધારે વૈષ્ણવધર્મ અભિપ્રેરીત ‘વિષ્ણુપુજા’ની સંકલ્પના વિકાસ પામી, વૈષ્ણવ પરંપરાની અનન્યાશ્રયભક્તિ અને દ્રઢનિશ્ચયત્વ જેવાં મૂલ્યોનો આધાર ભગવદ્ ગીતા છે.
“ अनन्याश्चिन्तयंतो मां मे जना: पर्युपासते ।
तेषां नित्याभियुक्तांनां योगक्षेत्र वहाम्यहम् ।।“ - (गीता:- अ-૬/૨૨)
વળી, મહાભારતના ‘નારાયણપર્વ’ ની ‘એકાન્તભક્તિ’ વૈષ્ણવ પરંપરાનું પૂર્વાનુસંધાન બની રહે છે. કૃષ્ણની બાળસ્વરૂપની કલ્પનાને પણ પ્રાચીન ગણવામાં આવે છે. આનંદશંકર ધૃવના મતે, ”કૃષ્ણના બાલગોપાલ સ્વરૂપનું વર્ણન પણ ઋગ્વેદ જેટલું પ્રાચીન છે.” (આપણો ધર્મ – પૃ : ૫૩૫). મહાભારતકાલીન વિચારધારામાંથી સત્ય પ્રગટાવી વખત જતાં વિષ્ણુની વ્યાપક્તાનો વિકાસ થતો જોવા મળે છે. વિષ્ણુ, નારાયણ, વાસુદેવનું એકત્વ સિદ્ધ થાય છે. આ રીતે વિષ્ણુના વિવિધ અવતારોની એકરૂપતા સિદ્ધ થઈ. વિષ્ણુના અવતારમાં ભક્તિ ધરાવનારા ‘ભાગવતો’ કે ‘વૈષ્ણવો’ કહેવાયા. તેમના ધર્મને ‘ભાગવતધર્મ’ તરીકે પ્રસ્થાપીત કરાયો. વિષ્ણુને ઈશ્વરત્વ બક્ષવા કૃષ્ણની બાળલીલાના ચમત્કારીક વર્ણનો વૈષ્ણવપુરાણોમાં થયાં. આભિર જાતિમાં જન્મેલ શ્રીકૃષ્ણના બાલચરિત્રોની અસર ‘હરિવંશ’, ‘બ્રહ્મપુરાણ’, ‘વિષ્ણુપુરાણ’, ‘શ્રીમદ્દ ભાગવત’, ‘પદ્મપુરાણ’, ‘બ્રહ્મવૈવર્ત પુરાણ’, ‘ગર્ગસંહિતા’ પર જોવા મળી. આ ભક્તિપોષકગ્રંથોનું મહત્વ જનમાનસમાં આજ પર્યન્ત અકબંધ રહ્યું છે. વળી, નવા પ્રવાહો સાથે વૈષ્ણવભક્તો – કવિઓએ શ્રીકૃષ્ણના બાળસ્વરૂપને કાવ્યમય બાનીમાં મૂકી આપ્યું છે. વિષ્ણુપુજાનો નવોન્મેષ પ્રગટ્યો. આઠમી-નવમી સદીમાં જેમાં ભાગવતપુરાણ શ્રીકૃષ્ણ પ્રેમભક્તિનું સર્વોચ્ચ શિખર સમું રહ્યું. પરંતુ આ સમયમાં શ્રીકૃષ્ણની આહ્લાદિની શ્રીરાધાનો પ્રવેશ થયો ન હતો. રાધાનો પ્રવેશ - 11 માં શતકમાં રચાયેલ ‘બ્રહ્મવૈવર્ત’ પુરાણમાં હોવાની સંભાવના છે.
“यस्य देवे परा भवत्यर्था देवे तथा गुरौ ।
तस्यैते कथिता व्यर्था प्रकारयन्ते मनीषिण : ।।“
નિજમાર્ગને વલ્લભાચાર્ય ’સ્વમાર્ગ’ ,‘પુષ્ટિમાર્ગ’ તરીકે ઓળખાવે છે. પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોમાં ઉપનિષદ ઉપરાંત ભક્તિસૂત્રો, નારદ ભક્તિસૂત્ર, શાંડિલ્ય ભક્તિસૂત્રનો પણ પ્રભાવ દેખાય છે. આ સંપ્રદાયમાં શ્રીકૃષ્ણનું શરણ અનન્ય છે ગુરુચરણના અનુગ્રહને પ્રધાનતા અપાય છે. વલ્લભાચાર્યમાં પ્રેમલક્ષણાનો સ્વીકાર છે પરંતુ તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ ચૈતન્ય પરંપરાના પ્રભાવ હેઠળ પુષ્ટિમાર્ગને વધુ રસિક બનાવ્યો.
ભક્તિધારાના મુખ્ય કવિઓમાં વિઠ્ઠલનાથજીના અષ્ટસખા સૂરદાસ, કૃષ્ણદાસ, પરમાનંદદાસ, કુંભનદાસ, નંદદાસ, ચતુર્ભૂજદાસ, છીતસ્વામી, ગોવિંદસ્વામી જેવાં પ્રસિદ્ધ કવિઓ દ્વારા વ્રજભાષામાં કૃષ્ણલીલાની સરવણી વહેતી થઈ ભક્તિ પરંપરાને પુષ્ટ કરી. મુખ્યત્વે આ કવિઓ પર વિદ્યાપતિ અને જયદેવનો પ્રભાવ હોવાનું મનાય છે. આ અષ્ટસખામાં સૂરદાસનું સ્થાન મહત્વનું ગણાય છે. તેમણે ભાગવતનો આધાર લઈને સર્જન કર્યું હતું પરંતુ તેના સિદ્ધાંતો પુષ્ટિપરક જ રહ્યાં. પુષ્ટિમાર્ગના પ્રચાર માટે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલનાથજીએ ગુજરાતનું પર્યટન કર્યું, ગુજરાતને પુષ્ટિપરક બનાવ્યું ઉપરાંત, પૌરાણિક ભક્તિ કવિતામાં નરસિંહ મહેતા (૧૫મું શતક) જેવાં ભક્ત સારસ્વતે ગુજરાતી કવિતામાં નવોન્મેષ પ્રગ્ટાવ્યો.‘ગોવિંદગમન’ અને ‘સુરત સંગ્રામ’, ‘ચાતુરીઓ’, ‘દાણલીલા’ જેવી કવિતામાં તેણે શ્રુંગારભક્તિનો આરંભ કર્યો. તેની ભાવસૃષ્ટિમાં પ્રેમલક્ષણાભક્તિનો જ ઉર્ધ્વમૂલસૂર પ્રગટે છે. નરસિંહ પછી ભીમ, ભાલણ, કેશવદાસ જેવા ઉત્તમકવિઓ થયાં પરંતુ ૧૫મી સદીનું સાહિત્ય ભક્તિના વ્યાપક સિદ્ધાંતોને વરેલું હતું ૧૬મી સદીના આ સાહિત્યમાં સાંપ્રદાયિક્તા આવી. ગુજરાતમાં આ સમયે પુષ્ટિમાર્ગ પ્રવર્તમાન હતો તેથી તે સાહિત્ય ‘પુષ્ટિપરક સાહિત્ય’ તરીકે ઓળખાવી શકાય. આ ભક્તિપ્રવાહનું સાહિત્ય આગળ ઉપર વિશ્વનાથ, મુકુન્દ, પ્રેમાનંદ, રત્નેશ્વર, વીરજી – જેવા કવિઓએ પદ્યમાં રચ્યું. પરંતુ 15મી અને 16મી સદીનું સાહિત્ય મુખ્યત્વે આખ્યાન અને પદ્યમાં કવિતા સ્વરૂપે લખાયું હતું. વળી, રાજે જેવો કવિ નરસિંહથી દયારામ જેવાં શ્રુંગાર કવિતાના પ્રણેતાની બરોબરી કરી શકે તેવી ઉત્તમ કવિતા આપી જાય છે. 16માં – 17માં શતકમાં ફરી ગૌણ બનેલી ભક્તિ શ્રુંગારની કવિતા ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં ફરી પુષ્ટ બને છે. રત્નો, રણછોડ, કાળિદાસ જેવાં કવિઓએ ફરી સાતત્ય દર્શાવ્યું. ઉત્તરાર્ધમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી,’પ્રેમસખી’ જેવાં સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓએ ભક્તિ જ્ઞાન, વૈરાગ્યના પદોનું આલેખન કર્યું. સ્વધર્મ સ્થાપના કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીએ પ્રેમલક્ષણાભક્તિમાં નરસિંહની સતેજ સ્મૃતિને પુન:જાગૃત કરી.
દયારામની કવિતાનો મૂળ આધાર સાંપ્રદાયિક છે.તે વૈષ્ણવ પરંપરામાં પુષ્ટિમાર્ગનો અનુસરનાર અનન્ય ભક્ત છે. તેથી તેની કવિતામાં ક્યાંક કે બહુધા સાંપ્રદાયિક્તાની અસર રહેવાની. તેની કવિતા બોધપ્રેરક અને સંપ્રદાયના પ્રચાર પ્રસારમાં સહયોગી બને તેવો આશય છે. અહીં દયારામની કવિતામાં વૈષ્ણવ બોધ પ્રગટે છે તેને તાગવાનો ઉપક્રમ છે. આમ તો પુષ્ટિમાર્ગનું મૂળ વિષ્ણુસ્વામી છે તેવુ ઘણા વિદ્વાનો માને છે. દયારામ પણ તેમ જ માને છે તે જણાવે છે કે : “ શ્રીવલ્લભાધીસ્વર વિષ્ણુસ્વામી પથના ઈશ-નિયંતામાત્ર છે.” પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે - “બ્રહ્મ સાથે માયાના આવરણરહિતનો સંબંધ”. દયારામ ‘શુદ્ધાદ્વૈત મંડળનો ગરબો’ નામની કવિતામાં જણાવે છે :
“માયા વિચ્છિન્ન જે બ્રહ્મ કારણ,માને શંકરપંથી જો,
તેને નિવારણ અર્થે શુદ્ધ પદ કહ્યું કથી જો.” (1)
પુષ્ટિમાર્ગમાં મુખ્યત્વે માયા, બ્રહ્મ, જીવ, જગત, ઇશ્વર, ભક્ત અને ભક્તિનો મહિમા ગવાયો હોય છે. પુષ્ટિમાર્ગ શંકરાચાર્યના મતનું ખંડન કરીને જીવ અને બ્રહ્મમાં બ્રહ્મની સત્તાને સર્વોપરી ગણાવી પોતાના શુદ્ધાદ્વૈત મતનું પ્રતિપાદન કરે છે. પહેલા બ્રહ્મવિચાર જોઈએ :
(1) બ્રહ્મવિચાર :-
શ્રીમદ્ ભાગવતના મહાત્મયમાં કહેવાયું છે :
“સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવઃ ।
તાપત્રયઃ વિનાશાય, શ્રી કૃષ્ણાય વયં નુમઃ ॥“ (2)
શ્રીવલ્લભાચાર્ય પણ બ્રહ્માની સચ્ચિદાનંદ સ્વરૂપની વિભાવના સ્વીકારે છે. ઈશ્વરને સર્વોપરી ગણી તેના સગુણ સાકાર સ્વરૂપ, કાર્ય અને નામને સ્પષ્ટ કરે છે. ઉપનિષદની સુક્તિઓને ખપમાં લઈને ‘શુદ્ધાદ્વૈત’ નો સિદ્ધાંત સ્પષ્ટ કર્યો છે. દયારામે પણ લોક વાંગ્મયનો ઉપયોગ લઈને સિદ્ધાંતને લોકભોગ્ય કાવ્ય દ્વારા સ્પષ્ટ કર્યો. શ્રીમદ્ ભાગવત અને વલ્લાભાચાર્યેના સિદ્ધાંતો તેની કવિતાની ગંગોત્રી છે. તેમાં દયારામ ઉપનિષદ, પુરાણો, બ્રહ્મસૂત્ર સૌનો આધાર લઈને શ્રીકૃષ્ણના પ્રાકૃતધર્મરહિત, અપ્રાકૃતધર્મયુક્ત પુર્ણાનંદ સ્વરૂપે વર્ણવે છે :
“પ્રાકૃત સકલ સૂર,બૃહદ ગણિતાનંદ ભાખ્યુ બ્રહ્મ,
જન દયા પ્રીતમ પુર્ણાનંદે, શ્રીકૃષ્ણ પુરૂષોત્તમ.” (2)
અહીં મુમુક્ષોને માટે આ સ્વરૂપ પરમાનંદ ધામ છે. પુષ્ટિમાર્ગનું ધ્યેય અક્ષરબ્રહ્મ નહીં પણ પૂર્ણ પુરૂષોત્તમ બ્રહ્મ છે. દયારામનું બ્રહ્મતત્વ સાકાર છે તેથી સ્વરૂપ માધુરી પણ દિવ્યતમ છે.
આ પરબ્રહ્મને "આનંદમાત્ર કરપાદમુખોદરાદિ" કહે છે. તેથી વલ્લભાચાર્ય પણ એક પદ 'મધુરાષ્ટકમ્' માં કહે છે : "મધુરાધિપતે અખિલં મધુરં". વલ્લ્ભાચાર્યનું બ્રહ્મતત્વ જે દયારામની કવિતામાં પ્રગટ થાય છે તે પરબ્રહ્મ અક્ષરબ્રહ્મથી પર છે, ઈન્દ્રિય ગ્રાહ્ય નથી તેવું અગમ્યતત્વ છે. માયા અને કાળની ગતિ પણ તેનાથી થરથર કંપે છે. દયારામની કવિતાનો શ્રીકૃષ્ણ અંતર્યામિ તરીકે વિકાસ પામે છે, જેને સર્જન, પાલન, સંહારનો ક્રમ તેને આધિન છે. તે સમર્થ છે. તેથી દયારામ કહે છે :
"અનંતકોટિ બ્રહ્માંડ ભૂપ મહાપુરૂષ અચિંત્ય,
દાતા ભોક્તા વિશ્વંભર હરિ જગ ઉદ્ધારન,
કર્તુ-અકર્તુ અન્યથા કર્તુ સમર્થ દેવા." (3)
• ચતુર્વ્યુહ :-
ભાગવતધર્મમાં ચતુર્વ્યુહની વાત મુખ્ય સ્વરૂપમાં થઈ છે. અંતઃકરણ ચતુષ્ટ્ય (મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર) આ અધિપતિ દેવતા પ્રદ્યુમન, અનિરુદ્ધ, સંકર્ષણ અને વાસુદેવ - આ ચાર દેવોના વ્યુહના કારણે જગતનું દ્રશ્યાદ્રશ્ય છે. જેમ સૂત્રમાં મણકા કે મણકામાં સૂત્ર તેવો જ પ્રશ્ન અહીં છે. અહીં દયારામ પણ પરબ્રહ્મરૂપે વાસુદેવમય સર્વ પદાર્થ હોવાનું જણાવે છે.
"પરબ્રહ્મના આજ્ઞાધારી, દેવાદિ જગદેવજી,
સૌ પર સત્તા નિત્ય છે, તે જ સૌના સરદારજી." (4)
દયારામને નિર્ગુણ બ્રહ્મમાં શ્રદ્ધા નથી તે સગુણમાં શ્રદ્ધા ધરાવે છે. તેથી, તે નિર્ગુણ બ્રહ્મમાં ન માનનારાની મજાક ઉડાવે છે, તેથી 'કાણા' કે 'વણમાલિયા' કહીને ગ્રામ્યતાપણ લઈ આવે છે. તે સ્પષ્ટપણે કહે છે :
"હમ તો શ્રીકૃષ્ણ છબીલો હી ગાવે, નિર્ગુણ બ્રહ્મ હમે નહીં ભાવે."
દયારામ કહે છે : પરમતત્વના સર્વ અવયવો આનંદરૂપ છે, તે પ્રકૃતિજનિત લૌકિક નથી. તેથી તેને નિરાકાર પણ કહી શકાય.
"છે આનંદ માત્ર સર્વરૂપ, નટવર અવયવ સહુ જો,
નથી પ્રકૃતિ જનિત, માટે નિરાકાર કહે બહુ જો." (5)
આ પરમતત્વ સત્, ચિત, આનંદ વગેરે અનંતગુણો અને ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય એ ષડ્ધર્મયુક્ત છે.
"નિર્ગુણ સગુણ શ્રુતિનો અર્થ છે, એમ કર્યો મહાત્મય સમર્થજી,
પ્રકૃતિ ગુણ નહીં જેમાં લેશજી, આપ્રાકૃત ગુણ ભર્યા શેષજી,
સતચિત આનંદ આદિ અનંતજી, ઐશ્વર્યાદિ સહ ભગવંતજી,
અગુણ – સગુણ એ બ્રહ્મ વિચારજી, કેવળ નિર્ગુણ કહે ગમારજી." (6)
"અરૂપ અગુણ તું કહે છે બ્રહ્મજી, તેથી પર છે પુરૂષોત્તમજી,
દિવ્યકર્મ અને જન્મ જેહ્નાથી, પ્રાકૃત કહે કુડચા કર્મ તેહનાજી." (7)
શ્રીકૃષ્ણમાં રહેલું વિરુદ્ધ ધર્માશ્રયત્વ કવિ આ રીતે પ્રગટ કરે છે :
“વિરુદ્ધ ધર્માશ્રયરૂપ અકલિત ગતિ, સહુ વાતે શ્રેષ્ઠ છો સર્વથી,
જીવ અણુમાત્ર અંતર વસો, અતિ અણું મોટું તનુકોટિ બ્રહ્માંડથી,
આચ્છાદિત કોટિ માયા થકી, અતિ ઘણાં પ્રકાશક અતિમાર્તડથી.”
ક્યારેક નિર્ગુણ બ્રહ્મતત્વની સામે સગુણસાકાર સ્વરૂપનું નિરૂપણ કરે છે. બ્રહ્મતત્વમાં માયાવાદ અને પ્રતિબિંબવાદનું ખંડન શાસ્ત્રીય પરીપાટીએ કરે છે ;
શુદ્ધાદ્વૈત વેદાંતમાં બ્રહ્મના ત્રણ સ્વરૂપો માનવામાં આવ્યા છે. આ સિદ્ધાંત અનુસાર બ્રહ્મના ત્રણ સ્વરૂપો આદિભૌતિક - સ્વરૂપ, અક્ષર-બ્રહ્મ આધ્યાત્મિકસ્વરૂપ અને ઉપાસ્યદેવની મૂર્તિ, શ્રીનાથજીની મૂર્તિ આધિ દૈવિક સ્વરૂપ છે. દયારામ ત્રિવિધ બ્રહ્મ સ્વરૂપનો વિચાર આ મુજબ વ્યક્ત કરે છે :
"ભૌતિક આધ્યાત્મિકને આધિદૈવિક હરિ ત્રિરૂપ,
જ્યમ ગંગાવારિ તીર્થ દેવી ક્રમ વિવેક અનૂપ,
એ ત્રણ રૂપ સુરસરિ વ્યવહાર જૂદો જ્યમ,
જળ જક્ત તીર્થ અંતર્યામિ દૈવી પુરૂષોત્તમ.”
વલ્લભાચાર્ય પ્રતિપાદિત બ્રહ્મનું સ્વરૂપ દયારામને સુપુર્ણ અભિપ્રેત છે.
(2) જીવવિચાર :-
શુદ્ધાદ્વૈત વેદાંતમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એકોહમ્ બહુસ્યામિ ની ભાવનાથી પુર્ણ આનંદમય બ્રહ્મ તિરોધાન થઈ, ચિદંશરૂપ જીવસ્વરૂપ પોતે ધારણ કરે છે. શુદ્ધાદ્વૈતમાં એવો સિદ્ધાંત છે કે જીવ અણુસ્વરૂપ છે, તેનું તેજ પ્રકાશને જેમ અથવા ગંધની જેમ સંપૂર્ણ શરીરમાં ફેલાયેલું છે. જીવ અસંખ્ય છે, નિત્ય છે, સનાતન છે.
પ્રભુની ઈચ્છા થતાં પ્રભુમાંથી પ્રગટ થયેલાં જીવો વિભિન્ન પ્રકારના છે. શ્રી વલ્લભાચાર્યે ‘ષોડશગ્રંથ’ અને ‘પુષ્ટિપ્રવાહ મર્યાદા’ અનુસાર જીવના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. આ જીવોની ઉત્પતિ વિશે કવિએ નીચે મુજબ વર્ણવી છે :
“એ પુષ્ટિ સૃષ્ટિ સર્વની શ્રી અંગથી ઉતપત્ય,
મર્યાદા સૃષ્ટિ જે વખાણીજી, તેની હેતુ હરિની વાણીજી,
મર્યાદા થકી ઉપની સૃષ્ટિ પ્રવાહજી.”
‘શ્રીહરિનો કૃપાકટાક્ષોનો વિગ્રહ’ વર્ણવાયો છે. બે પ્રકારના જીવો દર્શાવ્યા છે. દૈવીજીવો અને અસુરી સૃષ્ટિ – પુષ્ટિમાર્ગ અનુગ્રહનો માર્ગ છે. આ આસુરી સૃષ્ટિના જીવોમાં ઉપાસ્ય વિશેનો વિવેક પણ હોતો નથી, એમ અહી કહે છે. શ્રીકૃષ્ણથી વિમુખ થયેલાં જીવો ક્યારેય મુક્ત થતાં નથી તે જીવ આસુરી સૃષ્ટિના છે.
“જે આસુરી જીવ સૌ કર્મ જડ, હરિભજન ધર્મ વિમુખ,
તે કરે ઉપાસન અવરના, જેમાં સદા ભય દુઃખ.”
આવા આસુરીજીવોનું કલ્યાણ કદાપિ થતું નથી. તેથી તેઓ અનેક જન્મ પામે છે. પુષ્ટિમાર્ગની શ્રેષ્ઠતા દર્શાવતા દયારામ લખે છે :
“પુષ્ટિ સૃષ્ટિ સહુથી શ્રેષ્ઠજી, શ્રી પુરૂષોત્તમ જેના ઈષ્ટજી.”
બ્રહ્મસૂત્ર અને ઉપનિષદોના આધારે જીવન બ્રહ્મનો અંશ ગણાવ્યો. અદ્વૈતવાદમાં અંશ અને અંશેની એકરૂપતા સિદ્ધ કરી છે. માયાના આવરણથી બ્રહ્મતત્વ ઢંકાય જાય છે ત્યારે માયાવાદથી જીવભાવ લાગે પરંતુ માયાવાદ દૂર થતાં તેનું મૂળતત્વ પામી શકાય છે. પરંતુ માયાના આવરણનો આશ્રય કરનાર ફરી બ્રહ્માનુભૂતિ કરી શક્તા નથી. આમ, અંશી અને અંશ બન્ને એકરૂપ હોવા છતાં તેની વચ્ચે ભેદ છે. જેમ પાણીથી ભરેલાં ઘડામાંથી વધારાનું પાણી સમાઈ શક્તુ નથી, તેમ પૂર્ણબ્રહ્મમાં જીવ ભળી શક્તો નથી. જીવના મિલનથી બ્રહ્મમાં વૃદ્ધિ પણ થતી નથી અને તેના સ્વરૂપમાં વિક્ષેપ પણ થતો નથી. જીવ પર લાગેલ માયાના આવરણના લીધે વિક્ષેપ થાય છે પણ તે બ્રહ્મમાં થતો નથી. વિક્ષેપ જીવનો સ્વભાવ છે તેમ છતાં દયારામ જીવ અને બ્રહ્મના ભેદને સ્વીકારીને પણ તેના અભેદને સિદ્ધ કરે છે.
“હરિ વર્ણ જીવ ર કાર ક્રમ, એક કર્મરૂપ હોય,
ભળી ગયાનો આકાર, અધશિર છત્રસેવક જોય.”
ભેદાભેદની બાબતમાં દયારામ અક્ષરની સ્વતંત્રતા અને વર્ણમાળાનું બંધન બન્નેને સાથે મૂકી સમજાવે છે. કર્મની વાત કરતાં ગીતાના મત મુજબ તે કહે છે : બ્રહ્મ સ્વતંત્ર અને આનંદયુક્ત હોવાથી અને કર્મનો લેપ સંભવિત નથી.
“અણુ જીવ કર્માદિક વશ ભોગવે વિવિધ કલેશ,
છે મહદબ્રહ્મ સ્વતંત્ર આનંદ કર્માદિક નહી લેશ.”
(3) જગતવિચાર :-
શાંકરવેદાંત અનુસાર સંસાર મિથ્યા છે. અવિદ્યાથી જગત દીસે છે. જ્યારે આ જગતતત્વ સાથે સંસારતત્વનો વિચાર કરવામાં આવ્યો છે. શુદ્ધાદ્વૈતમાં સર્પ અને રજ્જુના દ્રષ્ટાંતમાં રજ્જુ અને સર્પ એ બન્ને સાકાર છે સમાનાકાર છે. બે સાકાર વસ્તુઓમાં જ એક વસ્તુનો બીજી વસ્તુ સંબંધી ભ્રમ ઉત્પન્ન થાય પરંતુ નિરાકાર બ્રહ્મ વિશે સાકાર જગતનો ભ્રમ કેવી રીતે થાય ?
દયારામ સંપ્રદાયને અનુસરી જગત-ઉત્પતિ વિશે લખતાં જણાવે છે. સચ્ચિદાનંદસ્વરૂપ પુરૂષોત્તમને રમણેચ્છા થઈ અને તેથી જગતની ઉત્પતિ કરી. આ રીતે જગતસ્વરૂપે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્મા પોતે જ થયા :
“જક્તરુપ પ્રકટ થયાં પોતે, પુરૂષોત્તમ પ્રીતથી જો,
તે જ બ્રહ્મ જે સાક્ષાત આનંદદાયક છે જાણજો જો.”
“મહીંમંડળ નવખંડાદિ રચના, રમત માત્રમાં કીધી.”
“વિચિત્ર લીલા રચી સમર્થેજી, રમણ પોતાને કરવા અર્થેજી.”
દયારામ અહીં નરસિંહના કૂળનો કવિ છે તેવું કહી શકાય. એકમાંથી અનેક થયાંનો ભાવ પ્રગટ કરે છે :
“પોતે જ રચના રૂપ હરિ, પોતે જ જાય અનૂપ,
ચિત્ત શુદ્ધથી નિરખતાં ભાસે વિલાસ છે તદ્રુપ.” (6)
“ચિત્ત ચૈતન્ય આનંદ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે” (નરસિંહ)
“હરિ એક બહુ સ્વરૂપ થયા, વાણીએ વેદ છે જો,
કારણ કૃષ્ણ, કારજ, જક્ત, કનકકુંડળ શો ભેદ છે જો.”
“કનક કુંડળ વિશે ભેદ ના હોય, અંતે તો હેમનું હેમ હોએ.” (નરસિંહ)
જગતને સ્વીકારીને માયાને બ્રહ્મનું કાર્ય છે તેવું પ્રતિપાદન કરે છે :
“માયા જનિત છે સંસાર, માયાવાદીવાણી ઉચ્ચારી જો,
માયા કર્તા પણ શ્રીકૃષ્ણ, માયા કહો સ્વતંત્ર કયમ કરી જો ?” (7)
‘સિદ્ધાંત મુક્તાવલિ’ અનુસાર જગત અને બ્રહ્મની પુજાનો વિવેક દર્શાવતા કહ્યું છે :
“ગંગાદેવી ત્યમ શ્રીકૃષ્ણ, તીરથ બૃહદજલ વિરાટ છે,
ત્રિવિધ ગંગાનું રૂપ ત્યમ હરિને જક્ત ઘાટ છે જો.” (8)
શુદ્ધાદ્વૈતની વાત સંતસમાગમનો મહિમા વર્ણવતા કહે છે :
“લોક ચૌદ રચ્યો ભેદ, કીડાભાંડ સૌ પ્રમાણીયું જો,
શુદ્ધાદ્વૈતનું એ રૂપ, સંત સમાગમે જાણીયું જો.” (9)
(4) માયા :-
શુદ્ધાદ્વૈત વેદાંતમાં માયાતત્વ વિશે વિચાર કરતાં જણાવ્યું છે કે એ બ્રહ્મની શક્તિ છે, માયા દાસીસ્વરૂપા છે. આચાર્યપ્રવર માયાના બે પ્રકાર દર્શાવે છે : (1) વિદ્યા, (2) અવિદ્યા. વિદ્યામાં બ્રહ્મભાવ ભળે ત્યારે જગતનિર્માણનું કારણ છે. અવિદ્યાજનિત માયા છે જગતની માયાશક્તિનો આધાર છે તેનાથી અહંતા – મમતા સંસારની નશ્વરતા સિદ્ધ થાય છે. અવિદ્યાજનિત માયાના પાંચ પ્રકાર છે, તેને પંચપર્વ કહેવાય છે. સ્વરૂપાજ્ઞાન, દેહાધ્યાસ, ઈન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતઃકરણાધ્યાસ – ભગવદાનુગ્રહથી પંચપર્વજનિત માયાનો નાશ થાય છે. માયા ભગવાન શ્રીકૃષ્ણની દાસી તરીકે બિરાજમાન છે તેવું દયારામ નિરૂપે છે :
“ભક્તિ સુંદરી માયા દાસીજી, બન્ને પ્રગટ કરી કુંજબિહારીજી.”
અહીં ભક્તિ અને માયા દાસીજી બન્ને ભગવાનમાંથી જ પ્રગટી છે. બન્ને સ્ત્રીઓ હોય તેથી પરસ્પર આકર્ષણ શક્ય નથી અર્થાત્ જીવ બે માંથી એકને આધીન રહે છે. ભક્તિપથના અનુગામીને માયાનો ત્રાસ રહેતો નથી.
“નહિ મોહે સ્રીને સ્ત્રી થકી, છે માયા પણ સ્ત્રી દેહ,
ભક્તને ન દમે અજા, તે સમજવું કારણ એહ.”
(5) ભક્તિ :-
ભાગવતમાં ભક્તિના નવ પ્રકાર દર્શાવ્યા છે. રામાયણમાં પણ નવધા ભક્તિનો ઉલ્લેખ જોવા મળે છે પરંતુ માનસ અને ભાગવતની ભક્તિ ભિન્ન ક્રમે છે. ભાગવતમાં,
“શ્રવણં કીર્તનં યસ્ય સ્મરણં પાદસેવનમ્ ।
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્ ॥“
આ પ્રકારે (1) શ્રવણં, (2) કીર્તનં, (3) સ્મરણ, (4) પાદ સેવનમ્, (5) અર્ચન, (6) વંદનં, (7) દાસ્યં, (8) સખ્યં, (9) આત્મનિવેદન – દયારામ નવધા ભક્તિ અને દશધાભક્તિનું ક્રમિક નિરૂપણ છે.
“આસક્તિ રાખી શ્રવણ કર, છે શ્રાવણ પહેલી ભક્તિ,
કીર્તન, સ્મરણ પછી પાદસેવન અર્ચન વંદન વ્યક્તિ,
દાસત્વ ભક્તિ સખ્યતા, આત્મનિવેદન નામ,
તે ઉપર દશમી પ્રેમભક્તિ, અતિપ્રિય ઘનશ્યામ.” (10)
પુષ્ટિભક્તિનું નિરૂપણ સરળ ભાષામાં અનેક નાની મોટી કૃતિઓમાં તેમ જ તેમના પદોમાં કર્યું છે. પ્રેમભક્તિનો મહિમા અગાધ છે.
સાધનોમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ સાધન છે. જીવ શાસ્ત્રાધ્યયન કરે તો પણ એને જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
“ભક્તિવિણ સાધન સૌ એવા રે, ભાગવત કહે ચાળા ચૂંથવા જેવા રે.”
“મુજ ભક્તિએ વિમુખ છતા, કરે શાસ્ત્રાધ્યયન,
સો જન્મ લગી કદી કરે તોહે, ન જ્ઞાન કે મોક્ષ સદન.”
ભક્તિની સાથે જ્ઞાન અને વૈરાગ્ય સાથે વિશિષ્ટ અનુરાગ છે. ગાયની પાછળ જેમ વાછરડું ચાલ્યું આવે તેમ ભક્તિની સાથે જ્ઞાન અને વૈરાગ્ય તેના પુત્ર સ્વરૂપે આવી જ જાય.
“એ ભક્તિના પુત્ર બે છે, જ્ઞાન વૈરાગ્ય કહાવે,
જ્યાં ગયા ઘરમાં આવી સહેજ વત્સ ચાલ્યા આવે.” (11)
“ભક્તિનું ફળ ભગવંત નિજ, જ્ઞાનાદિનું ફળ મોક્ષ.”
વળી, દયારામ ‘ભક્તિવર્ધિની’ ના આધારે ભક્તિની ચાર અવસ્થા દર્શાવે છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા. પ્રેમ એ ભક્તનું પ્રથમ લક્ષણ છે. વ્યસન અવસ્થા તો ભાગવતધર્મમાં પણ પ્રમાણિત કરવામાં આવ્યો છે. દયારામ તન્મયતા મૃત્યુ સમાન ગણાવે છે. ભક્તિના અનુગ્રહના માર્ગ તરીકેસિદ્ધ કરતાં લખે છે. ભક્તિમાં અનુગ્રહ જ સર્વોપરી છે. અનુગ્રહ્ન સિદ્ધ થતાં બધું આપોઆપ સિદ્ધ થાય છે.
“કૃપા માત્ર સકળ સિદ્ધિ, જીવ સાધન સઘળાં વૃથા જો.”
સાંપ્રદાયિક્તાની ત્રિવિધ સેવામાં આચાર્યશ્રીએ માનસી સેવાને ઉત્તમ ગણી છે. કવિને પણ તે અભિપ્રેત છે ;
“વ્યસન કૃષ્ણ મુખ્ય માનસી સેવા, તેને બાકી નથી તરવું રે,
લૌકિક વૈદિક તજી શુદ્ધ શ્રીજીશરણ, તેને કાંઈ નથી કરવું રે.”
દયારામની શ્રીકૃષ્ણ તરફની ભક્તિ અનન્ય છે, તે શ્રદ્ધાપૂર્વક કહે છે :
‘ચિત્ત તું શિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય છે.’
દયારામ આ પરંપરામાં ‘અંતિમ ધૃવતારક’ છે, તેનામાં પુષ્ટિમાર્ગની છાપ અસંદિગ્ધ રીતે પ્રગતે છે. તેના જીવનવિધાયક તરીકે તેમણે ક્ષર – અક્ષર જીવનના પ્રેરક તરીકે પુષ્ટિમાર્ગનો આશ્રય કર્યો. ગુજરાતી કવિતામાં પ્રેમલક્ષણાભક્તિમાં શ્રુંગારનું તત્વ નરસિંહમાં પ્રગટ્યું તેનું પરિપક્વ ફળ દયારામની કવિતામાં સિદ્ધ થાય છે. નરસિંહ અને દયારામની ભક્તિકવિતાની ગંગોત્રી ‘શ્રીમદ્દ ભાગવત’ અને ‘ગીતગોવિંદ’ છે. દયારામની કવિતામાં પણ નરસિંહની કવિતાની જેમ આનંદોર્મિ, રાસલીલા, પ્રભુવિરહના હ્રદયદ્રાવક સંવેદનો પ્રગટ્યા છે. પરંતુ દયારામમાં પ્રભુવિરહને અંતે મિલનનું એક વ્યાપકરૂપ જોવા મળે છે. આ દયારામની પ્રગલ્લભતાનું પરિણામ ગણાવી શકાય. દયારામ નરસિંહની કવિતાની કેડીએ ચાલ્યા છે પરંતુ તેની કાવ્યપ્રતિભા નરસિંહના જાજરમાન કાવ્યપ્રભાવમાં ક્યાંય ઝંખવાતી નથી. કેટલીક કવિતામાં દયારામ નરસિંહનો આધાર લઈ આરંભ કરે છે પરંતુ પછીથી નીજી મુદ્રા પ્રગટ થાય છે. દયારામની કવિતામાં મુખ્યત્વે ભક્તિશ્રુંગાર દ્વારા અક્ષરબ્રહ્મની ઉપાસના સિદ્ધ થતી જોવા મળે છે. તેની કવિતા એક વ્યાપક સિદ્ધાંતનો ‘કાવ્યાત્મક દસ્તાવેજ’ બની રહે છે. દયારામના આયુના અંતિમ વર્ષોમાં અર્વાચીનયુગના એંધાણ પ્રગટી ચૂક્યા હતાં.૧૮૪૦માં સૂરતમાં સ્થપાયેલ ‘માનવધર્મ સભા’ (સ્થાપક: દુર્ગારામ મહેતા), સન ૧૮૪૮માં અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ – (જે હાલમાં ‘ગુજરાત વિદ્યાસભા’ તરીકે છે.), ૧૮૫૧માં સ્થપાયેલ બુદ્ધિવર્ધક સભા જે પશ્ચિમની આબોહવાને તાણી લાવી તેમ છતાં પુરોગામી સર્જકોની સર્જનનિષ્ઠાને વરેલ આપણા દયારામને આ આબોહવા સહેજે વિચલિત ન કરી શકી અને તે મધ્યકાલીન ગુજરાતી કવિતાના છેલ્લા તેજસ્વી પ્રતિનિધિ બની રહ્યાં.
- Get link
- X
- Other Apps